Success – પૈસાદાર બનવું છે ? સફળ થવું છે? તો તત્કાલીક છોડી દો આ આદતો !

‘ઈંક’ નામની એક કેનેડિયન રિસર્ચ કંપનીએ આવી સાત આદતોને ટાંકી છે. જે તમને અમીર Success બનતા રોકે છે. તો આવો જાણીએ એ સાત આદતો વિશે…એકવાર વાંચવા સમજવા જેવી છે

ખૂબ બધા રૂપિયા, આલીશાન ઘર, ગાડી આ બધુ જ સૌ કોઈ માટે સ્વપ્ન હોય છે. દુનિયાના હરેક વ્યક્તિને ધનવાન બનવું છે. પરંતુ બધા ધનવાન બની શકતા નથી. કેમ ? કારણ કે પૈસાદાર એટલે કે ધનવાન બનવા માટે મહેનતની સાથે સાથે સ્માર્ટ સ્ટ્રેટેજીની પણ જરૂર હોય છે અને આના માટે તમારે કેટલીક એવી આદતો છે જે છોડવી જ પડે છે. ‘ઈંક’ નામની એક કેનેડિયન રિસર્ચ કંપનીએ આવી સાત આદતોને ટાંકી છે. જે તમને અમીર બનતા રોકે છે. તો આવો જાણીએ એ સાત આદતો વિશે…

વાતચીત કરતા શીખો, સ્માર્ટ ડીલ કરતા શીખો

કોઈપણ બાબતને લઈ ભાવ-તાલ કે વાતાઘાટ કરવાની અક્ષમતા કે તેનાથી દૂર ભાગવાની આદત તમને ગરીબ બનાવી રાખે છે. ઉ.દા. તરીકે તમે કોઈ જગ્યાએ નોકરી કરવા જાઓ છો. જ્યાં તમે કોઈપણ કારણસર તમારી સેલરી અંગે બાંધછોડ કરો છો અને જેટલી ઓફર થાય છે એટલામાં માની જાઓ છો. આવું મોટા ભાગે પહેલી નોકરી દરમિયાન થતું હોય છે. મોટા ભાગના લોકો તે વખતે સેલરી એટલે કે પગાર કરતા નોકરીને વધુ મહત્ત્વ આપે છે. જે આગળ જતા તેને બહું મોઘું પડે છે. જો આપણને આપણી આવડત અને અનુભવ પર પૂરો વિશ્વાસ છે તો આપણે તેના પ્રમાણમાં ઓછી સેલરીમાં કામ કરવા શું કામ રાજી થવું જોઈએ ? આ વાત માત્ર નોકરીમાં જ નહીં કોઈપણ બાબતે તમને વાટાઘાટો કરતા આવડવું જ જોઈએ.

આવકના મલ્ટીપલ સ્રોત અંગે વિચારો

આ આદત મોટભાગના લોકોમાં હોય છે. મોટાભાગના લોકો માત્ર નોકરી કરીને જ બેસી રહે છે. જો તમારે ખરેખર તમારી આવક વધારવી છે અને બે પાંદડે થવું છે તો તમારે માત્ર નોકરીના સહારે બેસી રહેવાનું છોડી આવકના મલ્ટીપલ સ્રોત અંગે વિચારવું જ પડશે. રખેને તમારી નોકરી છૂટી ગઈ કે ધંધો બંધ કરવાનો સમય આવ્યો ત્યારે તમારી પાસે બેકઅપ સ્ટ્રેટજી હશે તો બહુ વાંધો નહીં આવે.

કોઈ સાઇડ બિઝનેસ, રેંટલ પ્રોપર્ટી કે પછી આવકનું અન્ય સાધન કે સ્રોત જે તમારા ખરાબ સમયમાં તમારી પડખે તો ઊભો જ રહેશે. પરંતુ સારા સમયમાં વધારાની આવક પણ રળી આપશે.

ખુદ પર રોકાણ કરવું

ખુદ પર રોકાણ કરવું એ સુપર ઇન્વેસ્ટમેન્ટ છે અને આ સ્વઇન્વેસ્ટમેન્ટ એટલે કે ખુદને વધુ કુશળ બનાવવો. તેના માટે તમારે વધારેમાં વધારે જ્ઞાન અને વધારેમાં વધારે સ્કિલ વિકસાવવાની છે અને વધારેમાં વધારે અનુભવ પણ મેળવવાનો છે. જો આ ગુણો તમારામાં હશે તો તમે તમારા રોજગાર અને વ્યવસાયમાં ચાર ચાંદ લગાવી દેશો. તમારી આવડતમાં વધારો થવાથી તમારામાં ગજબનો આત્મવિશ્વાસ આવશે અને ભારેખમ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. જે તમારા માટે અનેક ક્ષેત્રમાં હાથ અજમાવવાના દ્વાર ખોલી નાખશે.

જેવું ચાલે છે તેવું ચાલવા દો – આ નહીં જ ચાલે

મોટાભાગના લોકો જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે ત્યારે ઉત્સાહથી છલોછલ હોય છે. પોતાનું સ્થાન, સેલેરી વગેરે માટે સતત સંઘર્ષ કરતા હોય છે, પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ ઉત્સાહ, એ એનર્જીનું જાણે કે બાષ્પીભવન થઈ જાય છે અને ગાડી જેમ ચાલે છે એમ ચાલવા દો ના પાટે ચડી જાય છે. જે તેમના અમીર બનાવની ગાડીને પાટા પરથી ઉતારી દે છે. કામ – વ્યવસાયમાં સતત નવું કરતા રહો, નવું નવું શીખતા રહો તમારું કામ માત્ર પૂરું કરવા માટે ન કરો. કામને શ્રેષ્ઠ બનાવવા કરો.

પરિસ્થિતિ સાથે સમાધાન કરવાને બદલે પરિસ્થિતિને બદલવા અંગે વિચારો અને મહેનત કરો. આ ધગસ તમને અમીર બનવાનું ગ્રીન સિગ્નલ આપશે.

બચતની જગ્યાએ રોકાણ કરો

લોકો પોતાની બચતને હાથ અડાડતા ગભરાય છે અને તેનું અન્ય સોર્સમાં રોકાણ કરતા ખચકાય છે. જોખમ લેતા નથી. ભાઈ આમ થશે તો તમારી બચત તો કદાચ બચી રહેશે, પરંતુ તે વધશે તો નહીં જ. ત્યારે સમજદારી એમાં જ છે કે, તમારા પૈસાને વહેતો રાખો. તેમાંથી અન્ય આવક ઊભી કરવા અંગે વિચારો. તેના માટે તમે સ્ટોક્સ, મ્યુચ્યુઅલ ફન્ડ, બોન્ડ્સ વગેરેમાં રોકાણ કરી શકો છો. જે તમારી વધારાની આવકના સ્રોત બની શકે છે. આ સિવાય પણ તમે તમારી બચતમાંનો અમૂક ભાગ ખુદને વધુ કુશળ બનાવવા પર ખર્ચી શકો છો. નવું શીખવા કે સ્કિલ ડેવલપ કરવા માટે.

લક્ષ્ય મેળવી લીધું એટલે દુનિયા પૂરી થઈ જતી નથી

જીવનમાં લક્ષ નક્કી કરવું જરૂરી છે અને બધા જ લોકોએ કોઈકનું કોઈ લક્ષ્ય તો રાખવું જ જોઈએ અને આપણે તેના માટે મહેનત પણ કરતા હોઈએ છીએ. પરંતુ મુસીબત ત્યારે થાય છે જ્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચી જઈએ એટલે ગંગા નાહ્યા હોવાનું માની બેસી જઈએ છીએ. અરે ભાઈ ! લક્ષ સુધી પહોંચ્યા એટલે દુનિયા ખતમ થોડી થઈ જાય છે. આપણી આ જ વિચારધારા આપણી પ્રગતિને રૂંધાવી દે છે. એક લક્ષ્ય પૂરું થયું તો તરત જ બીજું નક્કી કરી લો. બીજા બાદ ત્રીજું આપણે ખુદને ન તો ક્યારેય રોકાઈ જવાનું કહેવાનું છે કે ન તો આપણા લક્ષને પામવાના પ્રયત્નોને રોકવાના છે.

જરૂર કરતા વધારે વફાદાર બનવાની જરૂર નથી

ક્યારેક ક્યારેક એવું થાય છે કે, આપણે જ્યાં કામ કરતાં હોઈએ છીએ તે કંપની કે ટ્રસ્ટને આપણું તન મન સમર્પિત કરી દઈએ અને તેના માટે હદથી વધુ વફાદાર બની જઈએ છીએ. આપણી કંપની માટે વફાદાર હોવું એ ખોટું નથી, પરંતુ જરૂર કરતા વધારે વફાદારી તમારી પ્રગતિમાં અવરોધ પેદા કરશે જ. જ્યારે આપણને ખબર છે કે હવે આ નોકરી આપણને અમુક હદ પછી વધારે આપી શકવાની નથી તો પછી તે નોકરીને વળગી રહેવાની શી જરૂર છે ? આવું જ્યારે લાગવા માડે ત્યારે અન્ય કોઈ સ્રોત તરફ વળવામાં કશુંજ ખોટું નથી. અવસર મળે તો તેને નજર અંદાજ કરવો એ વફાદારી નહી, બેવકૂફી છે. તમારી વફાદારી એક હદ સુધી સારી છે, પરંતુ તે વફાદારી તમારી પ્રગતિને રૂંધવા માંડે ત્યારે તમારે તે અંગે વિચારવું જ રહ્યું.

 

One thought on “Success – પૈસાદાર બનવું છે ? સફળ થવું છે? તો તત્કાલીક છોડી દો આ આદતો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *