True Story | નામદાર પોપની વેટીકન લાઈબ્રેરીમાં એક ખંતીલો વિદ્યાર્થી એક ખાસ વિષયનું સંશોધન કરતો હતો. ખૂબ જ સંભાળ અને કાળજીથી એ એક એક સંદર્ભ ગ્રંથ જાેતો, એને વાંચતો અને પાછા મૂકી દેતો.
સાવ સામાન્ય ઘરનો આ ગરીબ છોકરો રોજ વહેલી સવારે લાઈબ્રેરીમાં આવી જતો. લાઈબ્રેરીના દરવાજા ખુલે એટલે પહેલી એન્ટ્રી એની જ હોય. શિયાળો હોય, ચોમાસુ હોય કે ઉનાળો. એના વાંચવાના સમયમાં કોઈ ફેરફાર ના થતો. એ વહેલી સવારે આવી જતો અને બપોર સુધી એકીટશે વાંચ્યા કરતો. ત્રણ વર્ષથી એ આવતો હતો અને સંશોધન કરતો હતો. એના સંશોધનને લગતા કેટલાંયે પુસ્તકો એણે વાંચી નાંખ્યા હતા. હવે એનું સંશોધન પૂર્ણ થવા આવ્યુ હતું. આજે એનો છેલ્લો દિવસ હતો. એ ઘરે લઈ ગયેલા પુસ્તકો પાછા મૂકતો હતો એટલી વારમાં એના હાથમાં છેક ખુણામાં પડેલું એક પુસ્તક આવ્યુ. એ પુસ્તક નહોતું પણ પાંચેક હજાર પાનાનો એક હસ્તલિખિત ગ્રંથ હતો. એણે આશ્ચર્યથી એ ગ્રંથ જોયો. થોડાં પાનાઓ વાંચ્યા. એના આનંદનો કોઈ પાર ના રહ્યો.
એ જે સંશોધન કરતો હતો એને લગતો જ આ હસ્તલિખિત ગ્રંથ હતો. એમાં એના સંશોધનને લગતી કેટલીયે નવી બાબતો હતી. આમતો એનું સંશોધન પતી ગયુ હતું પણ એ ફરી વાંચવા બેઠો. એ પુસ્તક વાંચતા એને પૂરા બે વર્ષ લાગ્યા. બે વર્ષને અંતે એ પુસ્તક પુરુ કરવા જઈ રહ્યો હતો. હવે માત્ર પચાસેક પાના જ બાકી હતા. ત્યાંજ એના હાથમાં એક પુસ્તકના લખાણ વચ્ચે જ લખેલો એક પેરા વાંચવામાં આવ્યો,
‘મહાશય, આપનું નામ હું જાણતો નથી. પણ આપે મારો હસ્તલિખિત ગ્રંથ એક એક શબ્દ વાંચ્યો છે. તમે હવે એ પૂર્ણ કરવા જઈ રહ્યાં છો. મારી આપને વિનંતી છે કે આપ વેટીકન સીટી કોર્ટમાં જઈને એકસોને વીસ નંબરના રૂમમાં આ પુસ્તકનું આ લખાણ બતાવો. આપના માટે એક સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે.’
યુવાન આશ્ચર્ય સાથે ત્યાં જઈ ચડ્યો. કોર્ટના સત્તાવાળાએ એને પૂછ્યુ, ‘આપ શું કરો છો? આ પુસ્તક આપના હાથમાં કેવી રીતે આવ્યુ?’
યુવાને પોતાના સંશોધનને લગતી બધી જ વાતો કરી. અને આ પુસ્તક વાંચવામાં બીજા બે વર્ષ ખર્ચ્યા એ પણ વાત કરી. સતાવાળાએ એ પુસ્તકને લગતા પણ કેટલાંક પ્રશ્નો કર્યા અને એણે ખરેખર એ પુસ્તક વાંચ્યુ છે એવી ખાતરી કર્યા પછી આનંદથી કહ્યુ, ‘ભાઈ, આપને ૮૪ લાખ ડોલરનું ઈનામ પ્રાપ્ત થાય છે.’
યુવાને આશ્ચર્યથી પૂછ્યુ, ‘પણ શેના માટે?’
સતાધિશે માહિતી આપી, ‘આ હસ્તલિખિત પુસ્તકના લેખક તરફથી તમને આ ઈનામ મળે છે. તેમણે આ ગ્રંથ લખ્યો ત્યારે આ નોંધ લખી હતી. આવા વિષય પણ કોઈ સંશોધન નથી કરતું. અને કરે તોયે ઉપર છલ્લુ કરે છે. એમણે નક્કી કર્યુ હતું કે એમનો આ ગ્રંથ જાે કોઈ ખરેખર વાંચશે અને આખો વાંચશે તો જ આ ફરકો એના ધ્યાનમાં આવશે. અને એને ઈનામ આપવામાં આવે. એમણે આ કોર્ટની આ રૂમમાં એવી વ્યવસ્થા કરી રાખી હતી. લેખક તો સો વર્ષ પહેલાં ગુજરી ગયા પણ આ રૂમમાં મારા જેવા જે કોઈ પણ નિયુક્ત થાય એને આ સૂચના ફોર્વર્ડ થતી રહે છે. આપે ખરેખર આ પુસ્તક વાંચ્યુ અને સમાજ માટે આપ એનો ઉપયોગ કરશો એનું આ ઈનામ છે.’
અને એ ગરીબ યુવાનને માત્ર એક ગ્રંથ વાંચવા માટે ૮૪ લાખ ડોલરનું માતબર ઈનામ મળ્યુ.
વાચકોને લાગશે આ ટાઢા પોરના ગપ્પા છે. પણ ના, આ વાત સત્યઘટના છે. એમ પણ લાગશે કે મિથ્યા સપનાઓ બંધાવું છું. પણ ના પુસ્તકનું વાંચન તો આ ૮૪ લાખ ડોલર નહીં એના કરતાં પણ કંઈ કેટલીયે અમુલ્ય વસ્તુઓ આપણને અપાવી શકે છે.