
શું વેલેન્ટાઇન્સ ડે ખરેખર પ્રેમનો ઉત્સવ છે કે કરોડો રૂપિયાનું માર્કેટિંગ ગતકડું? આજે ૧૪ ફેબ્રુઆરીએ જ્યારે ચારેબાજુ ગુલાબ અને ગિફ્ટનો શોર છે, ત્યારે તેની પાછળનું વરવું સત્ય જાણવું જરૂરી છે. ચાલો સમજીએ વેલેન્ટાઇન્સ ડેના વિરોધ પાછળના તર્કબદ્ધ કારણો.
માત્ર એક ‘બજારુ’ તહેવાર?
૧૯૯૧માં ઉદારીકરણ પછી ભારતમાં આ ડે ઘૂસાડવામાં આવ્યો. ૨૦૨૪માં ભારતમાં વેલેન્ટાઇન્સ ડેનું વેચાણ અંદાજે ₹૨૫,૦૦૦ કરોડ (૩ અબજ ડૉલર) હતું! કાર્ડ્સ, ચોકલેટ અને મોંઘી ગિફ્ટના નામે કૉર્પોરેટ કંપનીઓ માત્ર કમાણી કરી રહી છે, જેને સાચા પ્રેમ સાથે કોઈ લેવાદેવા નથી.
વેલેન્ટાઇનનો ઇતિહાસ:
આ દિવસની શરૂઆત રોમન ઉત્સવ ‘લ્યુપરકેલિયા’ થી થઈ હતી, જેમાં હિંસા અને અજીબોગરીબ પ્રથાઓ હતી. સંત વેલેન્ટાઇન પોતે એક ધાર્મિક વિદ્રોહી હતા. ખ્રિસ્તી ધર્મે આ દિવસને પ્રેમ સાથે જોડી દીધો, પણ ભારતીય પરંપરામાં આપણી પાસે ‘વસંત પંચમી’ જેવો પવિત્ર ઉત્સવ પહેલેથી જ છે.
બોલિવૂડની નકારાત્મક અસર:
હિન્દી ફિલ્મોએ પ્રેમનો ખોટો અર્થ સમજાવ્યો છે. ગરીબ પ્રેમી vs અમીર પિતા બતાવીને હિન્દુ માતા-પિતાને હંમેશા ‘વિલન’ તરીકે ચીતરવામાં આવ્યા છે. ‘ભાગીને લગ્ન કરવા’ કે ‘એકતરફી હિંસક પ્રેમ’ને ફિલ્મોએ ગ્લોરિફાય કર્યો છે, જે સમાજ માટે ઘાતક છે.
ભારતનો ઇતિહાસ પ્રેમવિરોધી નથી:
આપણી સંસ્કૃતિમાં પ્રેમલગ્ન નવા નથી. શ્રી રામ-સીતાનો મર્યાદિત પ્રેમ, રુક્મિણીનો કૃષ્ણ પરનો વિશ્વાસ, અને નળ-દમયંતીનું સમર્પણ – આ ઉદાહરણોમાં ક્યાંય ‘બ્રેક-અપ’ કે ‘મારી નાખવાની’ વાત નથી. અહીં ત્યાગ અને પ્રતિબદ્ધતા મુખ્ય છે.
પશ્ચિમી નિષ્ફળતા vs ભારતીય સ્થિરતા:
યુરોપિયન પ્રેમકથાઓ (રોમિયો-જુલિયટ) મોટેભાગે કરુણાંતિકા રહી છે. તેની સામે ભારતમાં પતિ-પત્ની વૃદ્ધાવસ્થા સુધી એકબીજાની કાળજી રાખે છે. અહીં ‘I Love You’ બોલવા કરતાં એકબીજા માટે ઘસાઈ છૂટવામાં જ સાચો પ્રેમ મનાય છે.
સાચો પ્રેમ શું છે?
મોંઘી ગિફ્ટ કે સોશિયલ મીડિયા પર દેખાડો કરવો એ પ્રેમ નથી. ભારતીય દ્રષ્ટિએ પ્રેમ એટલે સમર્પણ, કાળજી અને આદર. આપણી સંસ્કૃતિ સ્ત્રી-પુરુષને સમાન અને પૂરક માને છે, જેમાં દેખાડાને કોઈ સ્થાન નથી.